કસ્તૂરી-૬૬ (Kasturi-66)
પ્રકાર: ઉભડી મગફળી
જમીન અને તૈયારી
- મગફળીના સારા વિકાસ અને ડોડવાના વિકાસ માટે સારી ફળદ્રુપતા ધરાવતી જમીન પસંદ કરવી.
- જમીનને હળથી ઉંડી ખેડ કરી પોચી અને ભરભરી બનાવવી.
- બે વખત કરબની ખેડ કરી, સમાર મારી જમીન સમતળ બનાવવી અને જરૂર મુજબ ચાસ કાઢવા.
વાવણી અંતર અને દર
- બે ચાસ વચ્ચે ૪૫ સે.મી. અને બે છોડ વચ્ચે ૭.૫ થી ૧૦ સે.મી. નું અંતર રાખવું.
- હેક્ટર દીઠ ૧૦૦ થી ૧૨૦ કિ.ગ્રા. દાણા (બિયારણ) નો ઉપયોગ કરવો.
ખાતર (Fertilizer)
- મગફળીનું સારૂં ઉત્પાદન લેવા માટે જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે ૮ થી ૧૦ ટન સારૂં કોહવાયેલું ગળતીયું છાણીયું ખાતર આપવું જોઈએ.
- જો ગળતીયું છાણીયું ખાતર ન મળે તો હેક્ટરે ૫૦૦ કિ.ગ્રા. દિવલીનો ખોળ અથવા ૨.૫ ટન અળસિયાનું ખાતર આપવું.
- ગૌમુત્ર ૧૦% અને પંચગવ્ય ૩% નો ૪૫ અને ૬૦ દિવસે છાંટવાથી પાકની વૃધ્ધિ સારી થાય છે.
- મગફળી-ઘઉં પાક પધ્ધતિમાં મગફળીમાં ૨.૫ ટન અને ઘઉંમાં ૨૪ ટન છાણીયું ખાતર આપવું.
બીજ માવજત (Seed Treatment)
- વાવતા પહેલા બીજને રાઈઝોબિયમ અને ફોસ્ફેટ કલ્ચરનો પટ આપવો.
- થડના કોહવારાના રોગને અટકાવવા ૧ કિ.ગ્રા. બીજ દીઠ ૧૦ ગ્રામ ટ્રાયકોડરમાં વિરીડી પાવડરની માવજત આપવી.
- ઉગસૂક રોગ અટકાવવા સ્યુડોમોનાસ ફલ્યુરેસન્સ ૫ ગ્રામ/કિલો બીજ મુજબ પટ આપવો.
આંતરખેડ અને નિંદામણ
- પાકને પ્રથમ દોઢ મહિના સુધી નીંદણમુક્ત રાખવો. વાવણી પછી ૨૦ અને ૪૦ દિવસે આંતરખેડ અને હાથ નિંદામણ કરવું.
- ઘઉંના પરાળને રોટાવેટરથી જમીનમાં ભેળવવાથી અસરકારક નીંદણ થાય તેમજ ફળદ્રુપતા વધે છે.
પિયત અને આંતરપાકો
- ફૂલ આવવા અને ડોડવાના વિકાસ સમયે જો ભેજની ખેંચ જણાય તો ફુવારા પધ્ધતિથી પૂરક પિયત આપવું.
- ઉભડી મગફળી સાથે એરંડા અથવા તુવેરને ૩:૧ ના પ્રમાણમાં લેવાથી વધુ વળતર મળે છે.
- શંકર કપાસ કે દિવેલા સાથે પણ આંતરપાક પદ્ધતિ અપનાવી શકાય છે.
જીવાત અને રોગ નિયંત્રણ
- થ્રીપ્સ માટે લીંબોળીના મીંજનું ૫% અથવા સીતાફળીના પર્ક ૫% છાંટવો.
- મોલો-મશી માટે એફીડ ઈન્ડેક્ષ ૧.૫ એ પહોંચતા જૈવિક દવાનો છંટકાવ કરવો.
- પાનના ટપકાં માટે લીમડાના ૧% દ્રાવણનો છંટકાવ ૩૦, ૫૦ અને ૭૦ દિવસે કરવો.
- લીલી/લશ્કરી ઈયળ માટે ફેરોમેન ટ્રેપ (૫/હે.) ગોઠવવા.
કાપણી અને સંગ્રહ
- ૧૧૦-૧૧૫ દિવસે પાક તૈયાર થાય ત્યારે જમીનમાં ભેજ હોય ત્યારે હાથથી ઉપાડી લેવી.
- ડોડવામાં ૮% થી વધુ ભેજ ન રહે ત્યારે જ ગ્રેડીંગ અને સફાઈ કરી સંગ્રહ કરવો.
- બિયારણ માટે ફુદીનાના પાનનો પાવડર ૨.૫% પ્રમાણે ભેળવી સંગ્રહ કરવો.